સા.કુંડલાના યુવાને વિકસાવી Wi-Fi હોટસ્પોટ સિસ્ટમ
- નવતર પ્રયોગ: ઘરે બેઠા અમેરિકન કંપની આપે છે બે હજાર ડોલરનો પગાર : સર્વિસ આપનાર પાસે રહે છે દરેક યૂઝર્સનો ડેટા
સાવરકુંડલાના એમસીએ થયેલા યુવાન મિતુલ ગઢિયાએ વાઇફાઇ હોટસ્પોટ સિસ્ટમ વિકસાવી નવતર પ્રયોગની દિશામાં એક ડગ માંડ્યો છે. સોફટવેર ક્ષેત્રે આમ પણ દુનિયાભરમાં ભારતની બોલબાલા છે. અહીના યુવાનોનુ કૌશલ ઉડીને આંખે વળગી રહ્યું છે. સાવરકુંડલાના લોહાણા યુવાને પણ એમસીએનો અભ્યાસ કર્યા બાદ એવી વાઇફાઇ હોટસ્પોટ સીસ્ટમ વિકસાવી છે કે વાઇફાઇની સુવિધા પ્રોવાઇડ કરનાર પાસે દરેક યુઝર્સનો ડેટા રહે છે. અમેરિકાની એક કંપનીએ આ સીસ્ટમ ખરીદી લઇ સાવરકુંડલાના આ યુવાનને ઘરે બેઠા જ દર માસે બે હજાર ડોલરના પગાર પર રાખી લીધો છે.
યુઝર કઈ રીતે લઈ શકે છે લાભ
કોઇ હોટેલ, રેસ્ટોરન્ટ, શોપીંગ મોલ કે સંસ્થાએ લોકોને ફ્રી વાઇફાઇની સુવિધા આપવી હોય તો તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વારંવાર પાસવર્ડ બદલવા પડે છે આમ છતા બિનજરૂરી લોકો તેનો ગેરઉપયોગ કરતા જ રહે છે. વળી કોણ કેટલો ડેટા યુઝ કરે છે તેના પર અંકુશ રહેતો નથી. પરંતુ સાવરકુંડલામા પેટ્રોલપંપ ચલાવતા મિતુલ ગઢીયાએ વાઇફાઇ હોટસ્પોટ સીસ્ટમ વિકસાવી છે. જયારે કોઇ યુઝર વાઇફાઇ કનેકટ કરે તે સાથે જ વાઇફાઇ પ્રોવાઇડ કરાવનારનુ એક પેઇઝ ખુલે છે. અને ત્યારબાદ યુઝર આગળની સર્વિસનો લાભ લઇ શકે છે.
આ સીસ્ટમ હેઠળ પ્રોવાઇડર ઇચ્છે તેટલા સમય માટે જ કે તે ઇચ્છે તેટલા ડેટાના યુઝ માટે જ યુઝર્સ કનેકટ રહી શકે છે. ત્યારબાદ તેની સર્વિસ ઓટોમેટીક ડિસકનેકટ થાય છે. વળી તેણે જે જે સર્વિસ કનેકટ કરી હોય તેનો તમામ ડેટા પણ પ્રોવાઇડર પાસે રહે છે.
તેણે આ સીસ્ટમ અમેરિકાની એક વાઇફાઇ ઓપરેટ કરતી કંપનીને વેચી છે. જે તેને ઘરે બેઠા બે હજાર ડોલરનો પ્રતિ માસ પગાર ચુકવી રહી છે. આ યુવાન સાવરકુંડલામા બેઠા બેઠા આ કંપની માટે સીસ્ટમ ઓપરેટ અને અપડેટ કરે છે. તેનુ સર્વર મેનેજ કરે છે. હરિફાઇના આ યુગમા કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરનારા જોબ માટે ભટકતા રહે છે પરંતુ કૌશલની દરેક સ્થળે કદર થાય છે. રાજકોટની આત્મિય કોલેજમાથી એમસીએ કરનાર મિતુલ ગઢીયાની મહેનત ફળી છે.
પિતાના મૃત્યુ બાદ પુનામાં અભ્યાસ છોડયો
મિતુલ ગઢીયા અગાઉ પુનામા અભ્યાસ કરતો હતો. જયારે તેના પિતા સાવરકુંડલામા પેટ્રોલપંપ ચલાવતા હતા. પરંતુ 2011મા અચાનક પિતાનુ અવસાન થતા અભ્યાસ છોડી પરત સાવરકુંડલા આવતો રહ્યો હતો. બીસીએ એકર્સ્ટનલ કર્યા બાદ રાજકોટમા એમસીએ કર્યુ હતુ.
રોજેરોજ અપડેટ કરે છે સિસ્ટમ
સાંજ પડતા જ ઘરે બેઠા મિતુલ ગઢીયાની નોકરી શરૂ થાય છે. અમેરિકન કંપનીએ તેને કાયમી નોકરી આપી છે. તેનુ સર્વર મેનેજ કરવાનુ અને રોજેરોજ સીસ્ટમ ઓપરેટ અને અપડેટ કરવાનુ કામ તે કરે છે.