ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2018

વાહ સાવરકુંડલા

આજની પોઝિટિવ સ્ટોરી

જરુર વાંચો

ગુરુજન રતિલાલ બોરીસાગરનું ઋણ અદા કરવા શિષ્યોએ નિર્મી હોસ્પિટલ : મોરારી બાપુએ યજમાન સાથેની કથા આપી છે...

આલેખનઃ રમેશ તન્ના

અત્યાર સુધી મોરારી બાપુએ ૮૦૦થી વધુ રામકથાઓ કરી છે.  (ત્રીજી ફેબ્રઆરીથી) ૧૧મી ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી સાવરકુંડલામાં અત્યારે ચાલી રહેલી રામકથા ઘણી બધી રીતે જુદી છે. આ કથાના રૂપમાં મોરારી બાપુ દરદી નારાયણની આરોગ્ય સેવાના યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. મોટા ભાગે તેઓ યજમાનોને કથા આપતા હોય છે, તેમણે આ સંસ્થાને યજમાન સાથેની કથા આપી છે.
આખી વાત ઘણી રસપ્રદ છે. માંડીને કરીએ.
***
વાતની શરૂઆતમાં જ હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરને યાદ કરવા પડશે. ના, તેમના કોઈ અવતરણ રૂપે નહીં કે તેમણે કહેલા કોઈ હાસ્ય પ્રસંગ માટે પણ નહીં. અહીં તો તેઓ મુખ્ય નિમિત્ત છે.
હાસ્યલેખક તરીકે કીર્તિ પામેલા રતિલાલ બોરીસાગર મૂળ તો શિક્ષક. ઉત્તમ, સંવેદનશીલ અને વિદ્યાર્થી પ્રિય શિક્ષક. સાવરકુંડલા તેમનું વતન. કારકિર્દીના પ્રારંભનાં ૨૫ જેટલાં વર્ષો પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાએ શિક્ષક તરીકે તેમણે સાવરકુંડલામાં ફરજ બજાવી હતી. તેમના  હૃદયના સાનિધ્યે અને હાથ નીચે અનેક વિદ્યાર્થીઓનું ઉત્તમ ઘડતર થયું. ઉત્તમ સનદી અધિકારી તરીકે જાણીતા જે.બી.વોરા સાહેબ જેવા તેમના વિદ્યાર્થી તો માત્ર તેમના પ્રોત્સાહનના કારણે જ આઈએએસ થઈ શક્યા. ગુજરાતી પત્રકારત્વમાં સત્વશીલ સંપાદક તરીકે જાણીતા ભિખેશ ભટ્ટ હોય, મુંબઈમાં વસતા હરેશ મહેતા જેવા મહાજન હોય કે ડો.નંદલાલ માનસેતા જેવા સેવાભાવી તબીબ જેવા હોય, અનેક વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં બોરીસાગર સાહેબનું મોટું પ્રદાન.
ઈ.સ. ૨૦૧૧ની સાલમાં વિદ્યાર્થીઓએ ગુરૂજન બોરીસાગર સાહેબનું સન્માન કરવાનું વિચાર્યું. રતિલાલભાઈ પંચોતેરે પહોંચ્યા હતા તેથી અમૃત મહોત્સવ પણ ઉજવ્યો ગણાય. એ વખતે ઘણા વિદ્યાર્થીઓ તો ષષ્ઠિપૂર્તિ ઉજવી શકાય તેટલા મોટા થઈ ગયા હતા. અરે, બોરીસાગર સાહેબે સાવરકુંડલા છોડી દીધાને પણ ૩૭ વર્ષ થઈ ગયાં હતાં. અંતર્મુખી સ્વભાવ ધરાવતા રતિલાલભાઈને આવું સન્માન સ્વીકારવામાં સંકોચ થયો પણ પોતાના વહાલા વિદ્યાર્થીઓના પ્રેમના આક્રમણ સામે તેઓ હારી ગયા.
હવે એન્ટ્રી થઈ મોરારી બાપુની. તેમના હસ્તે રતિલાલ બોરીસાગર સાહેબનું સન્માન થયું.
વાત અહીં પૂરી થઈ જવાની હતી, પણ શરૂ થઈ.
રતિલાલ બોરીસાગરના નામનું પ્રતિષ્ઠાન રચાયું. આ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પછી તો દર વર્ષે શિક્ષણ અને સાહિત્ય એમ ઊભય કેન્દ્રી પર્વો યોજાવા લાગ્યાં. દર વર્ષે મોરારી બાપુની હાજરી સમગ્ર અવસરને ભવ્યતા આપતી.
પ્રતિષ્ઠાન સાથે પોતાનું નામ જોડાયું તેનો રતિલાલ બોરીસાગરને સતત સંકોચ રહ્યા કરે. તેમના વિદ્યાર્થીઓ નામ ન બદલવા અડગ, પણ છેવટે મોરારી બાપુની સામેલગીરીથી બોરીસાગર સાહેબની વાત સ્વીકારાઈ અને પ્રતિષ્ઠાનનું નામ પરિવર્તન પામ્યુંં : શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન.
***
આજે તો શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના ઉપક્રમે સાવરકુંડલામાં આધુનિક અને ભવ્ય હોસ્પિટલ ધમધમી રહી છે.
રતિલાલ બોરીસાગરનું શિક્ષણ અને સાહિત્યમાં માતબર પ્રદાન, પણ હોસ્પિટલ નિર્માણ સાથે તેમનું નામ કેવી રીતે સંકળાયું તેવો પ્રશ્ન ઘણાને થાય. તેમણે ડો. ચન્દ્રકાન્ત શેઠના માર્ગદર્શનમાં પીએચડી કર્યું એટલે તેઓ ડોક્ટર તો કહેવાય, પણ તેનાથી કંઈ તેઓ મેડિકલની પ્રેકટીસ ના કરી શકે. હા, તેમણે દરદી તરીકેના ઘણા લેખો લખીને આપણને હસાવ્યા છે, પણ એ કંઈ હોસ્પિટલ નિર્માણ માટે પૂરતું ના કહેવાય!
સાવરકુંડલાની હોસ્પિટલ નિર્માણનો છેડો જાય છે મુંબઈમાં વસતા હરેશ મહેતા સુધી. તેઓ શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના પ્રમુખ છે. એક વખત તેઓ ટીવી પર મોરારી બાપુની કથા સાંભળતા હતા. બાપુએ કહ્યું કે નબળી આર્થિક સ્થિતિના માણસને આરોગ્યની નિઃશુલ્ક સારવાર મળવી જોઈએ અને તે પણ પૂરા સન્માન સાથે. હરેશભાઈના હૃદયમાં આ વાત બરાબર ચોંટી ગઈ. એમાં વળી ડો. માનસેતા સાહેબનો વિચાર સહયોગ મળ્યો. તેઓ સાવર કુંડલામાં નિઃશુલ્ક હોસ્પિટલ કરવા ઝંખતા હતા. જાન્યુઆરી, ૨૦૧૪માં સાવરકુંડલામાં યોજાયેલા વાર્ષિક પર્વમાં હરેશભાઈ અને ડો. માનસેતાએ જાહેરમાં આ ભાવના વ્યક્ત કરી. પૂ. મોરારીબાપુએ તેને શિવસંકલ્પ ગણાવ્યો. તેમણે કહ્યું હું જે કરવા ધારતો હતો તે તમે કરવા જઈ રહ્યા છો. તેમના હસ્તે હોસ્પિટલનો પ્રારંભ થયો અને એ પછી તો તેમણે હોસ્પિટલ માટે યજમાન સહિતની રામકથા પણ આપી.
***
૨૦૧૪માં હોસ્પિટલ માટેનો સંકલ્પ થયો. એવું કહેવાયું છે સદ્કાર્ય જેમ બને તેમ ઝડપથી શરૂ કરી દેવું. તેમાં રાહ ના જોવી. માત્ર એક જ વર્ષમાં સાતમી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ મોરારીબાપુના વરદ્ હસ્તે ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ના પ્રથમ ચરણનું લોકાર્પણ થયું. પછી તો દર વર્ષે બાપુના હસ્તે આ હોસ્પિટલમાં નવા નવા વિભાગો શરૂ થતા જ રહે છે.
આ હોસ્પિટલ અનેક રીતે અનોખી છે. અહીં ગરીબોને તમામ સારવાર નિઃશુલ્ક અપાય છે અને તે પણ પૂરા સન્માન સાથે. છેવાડાના, ગરીબ તથા મધ્યમ વર્ગના માણસોને અહીં એ ગ્રેડની સુવિધા મળે છે. આ હોસ્પિટલમાં અત્યારે જનરલ ઓપીડી, ગાયનેક, ડાયાલિસિસ સેન્ટર, પેથોલોજી, ડેન્ટલ વિભાગ, બાળ આરોગ્ય વિભાગ, ફિઝિયોથેરાપી, હોલિસ્ટીક હેલ્થકેર, સર્જિકલ સહિત અનેક વિભાગો છે. ભોજનશાળા પણ છે.
વીતેલાં ત્રણ વર્ષમાં અંદાજે ત્રણ લાખ દરદીઓને આ આરોગ્ય મંદિરનો લાભ મળ્યો છે. પ્રાંગણમાં ધન્વંતરી ભગવાનનું મંદિર છે. ડોક્ટરો, નર્સો સહિતનો સ્ટાફ પૂરા આદર અને પૂરતા સ્નેહ સાથે દરદીઓની સારવાર અને સેવા માટે તત્પર રહે છે. અહીં વિવિધ ટેસ્ટ માટે લેબોરેટરી છે અને આઈસીયુ વિભાગ પણ છે. બે એમ્બ્યુલન્સ વાન છે, આધુનિક બિલ્ડિંગો છે તો વિશ્વકક્ષાનાં ઉપકરણો છે. સ્વચ્છતાનું ધોરણ જોઈને તમને થાય કે આપણે ભારત બહાર છીએ. મોરારી બાપુએ એક વખત કહ્યું હતું કે જેનું સોણું (સપનું) ય આવવું મુશ્કેલ છે તેવું આ આરોગ્ય મંદિર છે. અને હા, ખરેખર આ મંદિર છે, કારણ કે અહીં દરદીને “નારાયણ” માનીને તેમની પૂજા રૂપી સારવાર કરાય છે.
સાવરકુંડલા તુલા (ત્રાજવાં) માટે જાણીતું છે. કવિ પ્રણવ પંડ્યા કહે છે કે અહીં તુલા છે તો અતુલ્ય કહી શકાય તેવો આરોગ્ય યજ્ઞ પણ છે.
જાણીતાં કવયિત્રી પન્ના નાયક જૈફ વયે નટવર ગાંધી સાથે જોડાયાં તેમ સાવરકુંડલા સાથે પણ જોડાયાં છે. મિત્રનું મૂળ એ પોતાનું પણ મૂળ. નટવર ગાંધી સાવરકુંડલાના છે. પન્ના નાયક અને કવિ નટવર ગાંધીની માતાઓનાં નામ હોસ્પિટલના અદ્યતન પ્રસુતિગૃહ સાથે જોડાયાં છે. આ બે સર્જકોની સંવેદનાને અહીં નવો આયામ સાંપડ્યો છે.
આવા આરોગ્ય મંદિરના જતન, સંવર્ધન અને વિસ્તરણ માટે મોરારી બાપુએ સામા પગલે કથા આપી છે. તેમણે પોતે વાર્ષિક તિથિદાન માટે સમસ્ત તલગાજરડા ગામ અને ચિત્રકુટ ધામ વતી એક લાખ રૂપિયા નોંધાવ્યા હતા. રામ કથાના યજમાન લંડન સ્થિત સરજુભાઈ અને હેમલભાઈ પાબારી છે. કથાનો તમામ ખર્ચ તેઓ આપી રહ્યા છે અને કથા દ્વારા જે આર્થિક ભંડોળ ઊભું થશે તે હોસ્પિટલ માટે વપરાવાનું છે. આ વર્ષે હોસ્પિટલના ચાર નવા વિભાગોનું પણ લોકાર્પણ થયું છે.
આ હોસ્પિટલનો લાભ સાવરકુંડલા ઉપરાંત અમેરેલી જિલ્લાનાં અનેક ગામોને પણ મળી રહ્યો છે. એકસોથી વધુ ગામો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. એક સંવેદનશીલ શિક્ષક અને તેમના ઉત્તમ શિષ્યો દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે કેવું કેવું સરસ કાર્ય થઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતને અનેક સેવાભાવી ડોક્ટરો મળ્યા છે, અનેક દાતાઓએ વિશાળ હોસ્પિટલ સ્થાપી છે, પણ કોઈ શિક્ષક તરફના ઋણ ચૂકવવાના પ્રયત્નરૂપે, તેમની હયાતીમાં જ આવી વિશાળ અને આધુનિક હોસ્પિટલનું નિર્માણ થયું હોય તેવી આ અજોડ ઘટના છે.
રતિલાલ બોરીસાગર નિસબતી જણ રહ્યા છે. તેમણે શિક્ષણને વ્યવસાય માનવાને બદલે વ્રતનો દરજ્જો આપ્યો. હાસ્ય લેખનમાં પણ ગંભીરતાથી કાર્ય કર્યું. સ્વસ્થ સમાજનો એક આદર્શ નાગરિક કેવો હોય તેનું ઉદાહરણ આપી શકાય તેવું તેમનું જીવન અને કવન રહ્યું છે ત્યારે તેમના નામે અને નિમિત્તે આવાં સદ્કાર્યો થાય તેની નવાઈ ના લાગે; ના થાય તો જ નવાઈ લાગે !

આલેખન : રમેશ તન્ના
(પોઝિટિવ મિડિયા વતી.. સંપર્ક નંબર 9824034475)