માનવતા હજી જીવંત છે અને કાયમ રહેવાની..
માણસમાં આ ગુણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી માનવજાતના અસ્તિત્વને ઊની આંચ નહિ આવે.
રંઘોળા નજીકના અકસ્માતના બનાવે એ બતાવી આપ્યું...
પુષ્કળ અફરાતફરી, ચીસો, ડૂસકાંઓ, લોહીના રેલાઓ...
સર્જરી વિભાગના હેડ ડૉ. સમીરભાઈ શાહને જાણ થતાં સૌથી પહેલું કામ એમણે સૌને મેસેજ અને ફોન કરીને કેઝ્યુઅલ્ટી પર તરત પહોંચી જવા તાકીદ કરવાનું કર્યું. હું હજી ઓપરેશન થિયેટરમાં મારા દર્દીને એનેસ્થેસિયા અપાય એની રાહ જોતો હતો. સદભાગ્યે એ હજી ચાલુ નહોતું થયું.નહિતર હું 2 કલાક પહેલાં ફ્રી ન થાત. સાહેબનો એક વાક્યમાં ફોન આવ્યો, 'immediately report to casualty '. આટલામાં કારણ પૂછવાનું ન હોય. હું કપડાં બદલીને ભાગ્યો. પહોંચીને ટોળું જોયું એટલે ખ્યાલ આવી ગયો. Mass casualty માં તમારી તાત્કાલિક નિર્ણયશક્તિ બહુ કામ આવે છે. અમે સૌપ્રથમ કામ ગંભીર અને ઓછા ગંભીર કેસ તારવવાનું કર્યું (triage). ગંભીર ન હોય એમને તરત જ, કોઈ પણ જાતના કે પેપર કઢાવવાની માથાકૂટમાં પડ્યા વગર વોર્ડમાં મોકલ્યા.અને એથી વધુ ગંભીર દર્દીઓની ત્વરિત સારવારમાં ધ્યાન આપી શક્યા.. આખી હોસ્પિટલની સ્ટ્રેચરો દરવાજે ખડકી હતી અને વર્ગ 4 ના કર્મચારીઓ સતત દર્દીઓ ટ્રાન્સફર કરતા રહ્યા. સર્જરી અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સૌ હાજર હતા. એનેસ્થેસિયા અને બીજા ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોએ કાર્ય વ્હેંચી લીધું. નર્સિંગ કોલેજની આખી બેચ હાજર હતી જેણે અમારૂં મોટાભાગનું કામ હળવું કરી આપ્યું. એ મોટી મદદ હતી. આર. એમ. ઓ. ડૉ. આદેશરાએ બહુ ત્વરિત નિર્ણયો લઈને નિયમોથી બહાર જઈ પહેલાં સારવાર અને પછી કેસ કઢાવવા અને પેપરવર્ક કરવાની ભલામણ કરી..મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, ડીન સૌએ ત્વરિત કાર્યવાહી થાય એ માટે બનતું બધું કર્યું. એકસ્ટ્રા વોર્ડ ખોલાવી ખાટલા નખાવ્યા, ઈન્જેક્શન બાટલા દવાઓનો સ્ટોક સતત પુરવણી કરાવડાવી. હોસ્પિટલ એડમિન સતત હાજર રહીને સરળતા કરતા રહ્યા અને લાવવા ઉંચકાવવા સુઘ્ધાં જાતે કરતા રહ્યા.
આ સાથે ત્યાં મેયર, સિટી મામલતદાર, રાજકીય અને સામાજિક આગેવાનો અને મીડિયા સતત હાજર હતા. એમનો મોટો આભાર એટલે માનવો રહ્યો કે તેઓ કોઈને નડ્યા નહિ. સામાન્ય રીતે આવી ઈમરજન્સીમાં સારવાર બાબતે ચકમક ઝરે એવું ઘણીવાર થાય છે. પણ અમારા અનુભવ પ્રમાણે અકસ્માતના 50 દર્દીઓ કરતાં એ મારામારીમાં ઘવાયેલા 1 માટે વધારે દબાણો આવતા હોય છે. ખેર... અમે જે રીતે કામ કરતા હતા એ જોઈને એમણે અમારી સાથે ઝાઝી વાત કરવાનું પણ ટાળ્યું હોય એમ લાગ્યું.કોઈએ કશી ફરિયાદ ન કરી.
4 વ્યક્તિઓએ અમારી નજર સામે ચાલુ સારવારે દમ તોડ્યો. ઓપરેશન થિયેટરમાં દર્દીઓને રાતથી ભૂખ્યા રાખેલા એમને વિનંતી કરી કે આજે એમનું ઓપરેશન શક્ય નથી એટલે જમી લો..એમાંના એક બે જણ તો ત્યાંથી સીધા સેવામાં ગયા.
એ મારો ઈમરજન્સીનો દિવસ નહોતો.. અને મારી જેમ બીજા ઘણા ડૉક્ટર્સનો નહોતો. અમે બધું થાળે પડ્યા પછી કામ ઈમરજન્સી યુનિટના હવાલે કરીને સોશિયલ મીડિયા પર પરિસ્થિતિ ની જાણ અને લોહી માટે અપીલ કરી. ગ્રાઉન્ડ ઝીરો પરની અધિકૃત માહિતી આવા બનાવોમાં અત્યંત ઉપયોગી બને છે. (અમુક ચેનલોમાં તો સવારથી 30 મૃત્યુ બતાવતા હતા.)
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ થી સર ટી. હોસ્પિટલમાં બ્લડ બેંક ખાતે રક્તદાન માટે ય ટોળાં ઉમટયા. અમુક ગૃપ ભાવનગર બ્લડ બેંકમાં ય રક્તદાન કરી આવ્યા. જે કોમમાં સગા ભાઈ ને ય લોહી ન આપતા હોય એ કોમમાંથી યે રક્તદાન થયા. જુદા જુદા ધર્મના લોકોએ ઉલટથી રક્તદાન કર્યું. 45 દાખલ થયેલા. એમાં જરૂર કદાચ 40-45 બોટલની પડે. એની સામે પુષ્કળ પ્રમાણમાં આવ્યું. 200 બોટલ પછી બ્લડ બેંક વતી ડૉ. પ્રજ્ઞેશભાઈએ જાહેર વિનંતી કરવી પડી કે હવે જરૂર નથી. આમ છતાં રાત સુધીમાં 550 બોટલ જમા થઈ..
ફક્ત રક્તદાન નહિ , નોધારા દર્દીઓ માટે દરેક જગ્યાએથી મદદ આવી. એમને હેરફેર કરવા, સગા સંબંધીઓને મદદ અને ખાવાપીવાની વ્યવસ્થા કરવા, એમની પાસે ઉભા રહી કામ કરવા જે રીતે માણસો આવ્યા હતા એ જોઈને ક્યાંક ઊંડે ઊંડે ટાઢક નો શેરડો પડતો હતો . એવું ય લાગતું હતું કે આ સૌરાષ્ટ્ર છે ને .. એટલે. એવું ય લાગ્યું કે કદાચ મને અથવા મારા સગાવહાલાઓને રસ્તા વચ્ચે કોઈ તકલીફ ઉભી થાય તો ચિંતા જેવું નથી. આવા લોકો છે .. સાચવી લેશે.જોઈ જોઈને હાલતા નહીં થાય.
ડૉ.ફિરદૌસ દેખૈયા