સોમવાર, 4 જૂન, 2018

આપઘાત કરનાર વિદ્યાર્થીનીનો પત્ર

આપઘાત કરનાર વિદ્યાર્થિનીનો નર્કમાંથી પત્ર

મારા વહાલા મમ્મી-પપ્પા,

મજામાં હશો એવું નહિ લખું કારણ કે મારા આપઘાત પછી ‘મઝા’ નામનો શબ્દ તમારા માટે ‘સજા’ બની ગયો છે. દુનિયા ભલે માને કે મેં આપઘાત કર્યો છે પણ આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. મારી હત્યા કરનાર એક નહી પણ અનેક વ્યકિત છે.  આ ગુન્હામાં સીધી નહિ તો આડકતરી રીતે આજની શિક્ષણવ્યવસ્થા, મારાં શિક્ષકો, સાથી વિદ્યાર્થીઓ, આડોસી-પાડોશી, આપણો સમાજ અને મમ્મી-પપ્પા તમે પણ ભાગીદાર છો.

મારો શ્વાસ ભલે કાલે બંધ થયો પણ સાચું કહું તો તમે નર્સરીથી મારું ટ્યૂશન શરુ કરાવ્યું, ત્યારથી જ મારા બાળપણનું મૃત્યુ થઇ ગયું હતું. શિક્ષણના કારખાના અને ટ્યૂશન કલાસીસની દુકાનોએ મને ક્યાં જીવવા જ દીધી છે ?

એક સાંજે ઘરે આવી મેં પપ્પાને કહ્યું કે મને ભણવામાં બહુ રસ નથી. મારે નૃત્ય કલામાં આગળ વધવું છે. મારે ગણિતના કલાસીસ નથી કરવા પણ ભરતનાટ્યમનાં કલાસીસ કરવા છે. ત્યારે ક્રોધમાં આવીને પપ્પાએ જવાબ આપ્યો હતો કે નાચવું-બાચવું આપણને શોભા નથી દેતું. ભણવામાં ધ્યાન આપીશ તો ડૉક્ટર કે એન્જિનિયર બની શકીશ.

જે વ્યક્તિને 'નૃત્ય' અને 'નાચવું' વચ્ચેનો તફાવત ખબર નથી એની સાથે મારે શું દલીલ કરવી ? હું શાંતિથી મારા રૂમમાં જઈને ગણિતના દાખલા ગોખવા લાગી.

દશમાં ધોરણમાં તમે ૮૫ ટકાની અપેક્ષા રાખી હતી. રિઝલ્ટ જાહેર થવાનું હતું એની ૧૦ મિનિટ્સ પહેલા જ પપ્પા ફેસબુકમાં ઓનલાઇન થઇ ગયા હતા, જેથી જેવું રિઝલ્ટ આવે કે તરત જ ફેસબુકમાં પોસ્ટ કરી દેવાય.

પણ અફસોસ કે મને ૬૫% જ આવ્યા. ફેસબુકમાં મૂકી શકાય કે સગા વહાલાને સામેથી ફોન કરીને જણાવી શકાય એવું પરિણામ આવ્યું નહિ એટલે પપ્પા ગુસ્સામાં ન બોલવાનું બોલી ગયા.

આમ જુઓ તો મારી લાયકાત ૫૫% લાવવાની જ હતી. તમારે તો ખુશ થવું જોઈએ કે મને મારી આવડત કરતા ૧૦% વધારે આવ્યા હતા.                                  
મમ્મી પપ્પા ! એક વાત હંમેશા યાદ રાખજો કે પરિણામ માબાપની અપેક્ષા પ્રમાણે નહિ પરંતુ બાળકની લાયકાત પ્રમાણે આવે છે.

આખા પત્રમાં હું તમારા જ વાંક કાઢું અને મારી પોતાની ભૂલ સ્વીકારું નહિ તો પત્ર અધૂરો કહેવાય. અત્યારે મને સમજાય છે કે મેં જો જીવવાની થોડી કોશિશ કરી હોત તો હું જિંદગી જીવી શકી હોત . મને એવો ભ્રમ હતો કે આપઘાત કરવાથી તમામ દુઃખો અને યાતનાઓનો અંત આવી જશે. પરંતુ ખરેખર તો આપઘાત કરવાથી માત્ર જિંદગીનો અંત આવે છે, દુઃખનો નહિ ! આપઘાત કરનાર પોતે તો છુટી જાય છે પરંતુ પોતાના ચાહનારાને આજીવન દુ:ખમાં છોડી જાય છે.

ઉપર આવી મેં યમરાજ અંકલને પૂછ્યું કે મને સ્વર્ગમાં કેમ રહેવા દેતા નથી ?
ત્યારે તેમણે જવાબ આપ્યો કે," બેટા તું તારા ચાહનારાને આજીવન દુઃખમાં ધકેલીને આવી છો. તને સ્વર્ગ કઈ રીતે આપી શકું ?

અંતમાં, આ પત્ર દ્વારા હું તમામ માતા પિતાને વિનંતી કરું છું કે તમારા બાળકને મનગમતી પાંખો આપી તેમને ખુલ્લા આકાશમાં મુક્તપણે ઉડવાં દેજો. તમારી અપેક્ષાઓના બોજ નીચે તેમના બાળપણને દબાવી ન દેતા .

તથા યુવાન ભાઈ બહેનોને જણાવવાનું કે ગમે તેટલું દુઃખ આવે જીવન જીવવાનું ક્યારેય છોડશો નહિ. મારો અનુભવ કહે છે કે મરતી વખતે જેટલી પીડા થાય છે તેટલી પીડા તમને સમગ્ર જીવનમાં ક્યારેય થવાની નથી. મૃત્યુથી મોટું દુઃખ બીજું એકપણ નથી.

ભગવાને જિંદગી બહુ સુંદર આપી છે એને મારી જેમ આપઘાત કરીને વેડફી ન દેશો.

એજ લિખિતંગ આપઘાત કરીને ખુબ પસ્તાવો કરતી એક બદનસીબ વિદ્યાર્થીની.
--

( વિચારબીજ : મૌલિક જગદીશ ત્રિવેદી )