રવિવાર, 27 માર્ચ, 2016

ગુજરાતી લોકસાહિ‌ત્ય અને ગુજરાતી લોકસંગીતને અમરત્વ બક્ષનાર મહાન લોકગાયક હેમુ ગઢવી


ગુજરાતી લોકસાહિ‌ત્ય અને ગુજરાતી લોકસંગીતને અમરત્વ બક્ષનાર મહાન લોકગાયક હેમુ ગઢવી


૧૯૨૯માં ચોટીલાના ખોબા જેવડા ઢાંકણિયા ગામમાં ૮ સપ્ટેમ્બરના રોજ જન્મેલા હેમુભાઇને ઇશ્વરે ઠાંસોઠાંસ કલાનો ખજાનો ભરીને મોકલ્યા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત તો રંગભૂમિથી કરી હતી. માત્ર ૧૪ વર્ષની તરુણ વયે તેમણે 'મોરલીધર ’ નામના નાટકમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું અને રંગભૂમિને એક નવા સિતારાની ભેટ મળી. હેમુભાઇનો રંગભૂમિ પર પ્રવેશ થાય ત્યારે જાણે રંગભૂમિ તેમને ચૂમતી હોય એવું લાગે. શેતલને કાંઠેમાં તેમણે એકસાથે ત્રણ-ત્રણ ભૂમિકા ભજવી હતી. જયશંકર સુંદરીનું પાત્ર તો એમણે એવું આબેહૂબ ભજવ્યું કે દુનિયા તેમના પર ઓળઘોળ થઇ ગઇ. એમની લોકપ્રિયતાની પરાકાષ્ટા તો એ હતી કે એ પાત્ર ભજવ્યા બાદ તેમના રક્ષણ માટે ખાસ બંદોબસ્ત રાખવો પડયો હતો.રંગભૂમિને ઘેલી કરનાર આ રતનની સાચી ક્ષમતાને રાજકોટ આકાશવાણીના ચંદ્રકાંતભાઇ ભટ્ટ ઓળખી ગયા. આગ્રહ કરીને 'રેડિયો’ માં લઇ ગયા. ૧૯પ૬માં તેઓ આકાશવાણીમાં તાનપુરા આર્ટિ‌સ્ટ તરીકે જોડાયા અને ત્યારબાદ, ૧૯૬પમાં તેમનું અવસાન થયું. એ ૯ વર્ષના ગાળામાં એમણે લોકસંગીતની જે વિરાસત આપી તે બદલ ગુજરાત સદા તેમનું ઋણી રહેશે.

હેમુભાઇના અવાજમાં કંઇક દૈવી તત્ત્વ હતું. કામણ પાથરનારો ગૂઢ જાદુ હતો એમના કંઠમાં. શાંત રાત્રિમાં સમુદ્ર ઘૂઘવતો હોય એવી બુલંદી અને એવું ગાંર્ભીય એમના ગળામાંથી વહેતું. હેમુભાઇના અવાજમાં સાવજની ત્રાડ, મોરલાનો ગહેંકાટ, કોયલનો કલરવ અને અષાઢનો ગડગડાટ એકસામટા ઓગળ્યા’તા. લોકસંગીતને લોકગીતોને લોકભોગ્ય બનાવવા માટે હેમુભાઇએ જે પરિશ્રમ કર્યો તેનો જોટો જડે તેમ નથી. હેમુભાઇ રેકોર્ડિંગના સાધનો સાથે આકાશવાણીની ટીમો લઇને ગામડાંઓ ખૂંદતા, લોકગીતો, રાસડા અને લોકકથા શોધતા અને જે-તે વિસ્તારના મૂળ લોકઢાળ મુજબ જ તેનું રેકોર્ડિંગ કરતા. લોકગીતોનું અસ્સલ સ્વરૂપ યથાવત્ રાખીને પણ હેમુભાઇએ લોકસંગીત, સાહિ‌ત્ય અને સંસ્કૃતિને ઘરે-ઘરે ગાજતું કર્યું તે તેમની મહાન સિધ્ધિ હતી. એમણે લોક સંગીતને એવું સર્વાંગી અને સર્વોત્કૃષ્ટ સ્વરૂપ આપ્યું કે આજે અડધી સદી બાદ પણ તેમાં કોઇ ખાસ નવું ઉમેરી શકાયું નથી. વર્તમાન લોક સંગીત ગમે તે સ્વરૂપે રજૂ થતું હોય તેનો મૂળ તંતુ હેમુભાઇ સાથે જ જોડાયેલો છે અને જોડાયેલો રહેશે.

હેમુભાઇ આજીવન લોક સંગીતને સમર્પિ‌ત રહ્યા. રેડિયો પર હેમુભાઇનો એક 'અબાજી ગબાજી’ નામનો કાર્યક્રમ આવતો. મૃત્યુના આગલા દિવસે એ કાર્યક્રમમાં હેમુભાઇ દુહો બોલેલા, ''નામ રહંતા ઠાકરા નાણા ઇ નવ રહંત, કીર્તિ‌ કેરા કોટડા, પાડયા નહીં પડંત’’ તા. ૨૦-૮-૧૯૬પના રોજ જન્માષ્ટમીના દિવસે પડધરીમાં લોકગીતોનું રેકોર્ડિંગ કરવા હેમુભાઇ ગયા હતા. હાજીભાઇ તબલા પર અને ટપુ દેગામા મંજીરા પર રમી રહ્યા હતા. હેમુભાઇએ લય વધારવા હાથ ઊંચો કર્યો, લય વધ્યો અને બરાબર તે જ ક્ષણે હેમુભાઇને હૃદય રોગનો હુમલો આવ્યો. મંચ પર સંગીતના સૂરો વહી રહ્યા હતા ત્યાં ગુજરાતી લોક સંગીતનો સહુથી વધુ સૂરીલો મધ મીઠો સૂર સદા માટે શાંત થઇ ગયો.
ગોકુળ આઠમ, ગોકુળિયા ગામ પડધરીનો મેળો, રાસડાના સૂર અને એની મસ્તીમાં લિન થઇ ગયેલા હેમુભાઇ કોઇ અણદિઠી વ્રજની કુંજ ગલીઓમાં શ્યામ અને રાધાની રાસલીલામાં ગીતડાં ગાવા સિધાવી ગયા. હેમુભાઇએ રેડિયો દ્વારા, ડાયરાઓ દ્વારા ગુજરાતના ઘરે-ઘરે લોક સાહિ‌ત્ય અને લોક સંગીતના અસંખ્ય લીલા તોરણે બાંધ્યા. આજેય એ તોરણોના લીલાછમ્મ પાન લહેરાય છે. હેમુભાઇ સદેહે નથી. પણ, એમના પુત્રો સ્વ. જીતુદાન ગઢવી અને બિહારીદાને કસૂંબલ વારસો જાળવી રાખ્યો છે. હેમુભાઇ સદેહે નથી, પણ સ્વરદેહે તેઓ સદા ગૂંજતા રહેશે. કવિ દાદે યથાર્થ જ લખ્યું છે 'ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જળ વરસાવશે, નિલવરણી ઓઢણી જઇ ધરા સર પર ધારશે. ગહેકાંટ થાતા ગીર મોરા પીયુ ધન પોકારશે, એ વખતે આ ગુજરાતને હા યાદ હેમુ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો