રવિવાર, 27 માર્ચ, 2016

સફાઈમાં ખુદાઈ જોનારા લોકસેવક શ્રી બબલભાઈ મહેતા



શ્રી બબલભાઈનો જન્મ તા. ૧૦/૧૦/૧૯૧૦ના રોજ સૌરાષ્ટ્રમાં સાયલા (ભગતનું ) ગામમાં થયો હતો. હજુ એક વર્ષના થાય તે પહેલાં તેમના પિતાજીનું અવસાન થયું તેથી તેમના જીવનમાં સ્વાભાવિક રીતે તેમનાં બાનો વિશેષ પ્રભાવ રહ્યો. સ્વચ્છતા, સુઘડતા, કરકસર, ઉદ્યોગ પરાયણતા વગેરે ગુણો તેમની માતા પાસેથી મળ્યા હતા. પ્રાથમિક શાળાના મોઢ માસ્તર તેમની ક્રૂર શિક્ષા પદ્ધતિને કારણે પસંદ ન હતા અને વીરજી માસ્તર એમના મુલાયમ સ્વભાવને કારણે ખૂબ ગમતા પરંતુ જયારે જાણ્યું કે વીરજી માસ્તર પોતાની પત્નીને મારે છે, ત્યારે તેમના પ્રત્યેનો આદર શાહીચૂસ (બ્લોટીંગ પેપર)ની જેમ – બાળક શિક્ષકમાં જે કાંઈ સારું-ખોટું જુએ છે, એમ – ચૂસી લે છે. આ ઉપરાંત વિદ્યાર્થીકાળમાં સ્વામી સ્વરૂપાનંદજી અને ભૂમાનંદતીર્થજીના સાદા, ત્યાગી અને પવિત્ર જીવનની તેમના જીવન ઉપર ઊંડી અસર પડી હતી. સ્વામી વિવેકાનંદ, ટોલ્સ્ટોય, રાજા રામ મોહનરાય, થોમસ આલ્વા એડીસન, સ્વામી રામતીર્થ, નેપોલિયન વગેરે મહાપુરુષોનાં જીવન ચરિત્રો હોંશે હોંશે વાંચ્યાં. જેના પરિણામે તેમનામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થયું. જેમ કે સ્વામી રામતીર્થે આત્માની શક્તિનું ભાન કરાવ્યું તો સ્વામી વિવેકાનંદે દરિદ્રનારાયણની સેવા, ટોલ્સ્ટોયે શ્રમનો મહિમા, એડિસને એકાગ્રતા તો રાજા રામ મોહનરાયે સમાજ સુધારણા કરવી હોય તો એની શરૂઆત પોતાની જાતથી કરવી જોઈએ અને આપણું જીવન ગમે તેમ વેડફી નાખવા માટે નથી પણ કાંઈક મહાન કાર્ય કરી જવા માટે છે એવી મહત્ત્વાકાંક્ષા તેમના દિલમાં જગાવી અને એ માટે પુરુષાર્થ અને ચારિત્ર્ય કેળવવાં જોઈએ, એ પણ સમજાયું.
માત્ર ધોરણ ૬માં હતા ત્યારે ભોગીભાઈ નામના એક ખાદીધારી વક્તાનું પ્રવચન સાંભળીને ખાદી પહેરવાનો સંકલ્પ કર્યો અને બીજે જ દિવસે બા સાથે જઈ ખાદી ખરીદી લીધી. આટલી નાની ઉંમરે બબલભાઈનો અંગ્રેજ સરકાર પ્રત્યે રોષ અને એ રીતે રાષ્ટ્રભાવનાનો તેમનામાં ઉદય થયેલો. મુંબઈના ગર્વનર લોર્ડ વિલિંગ્ડન હળવદ આવવાના હતા ત્યારે શાળાના હેડ માસ્તરે હુકમ કર્યો કે દરેક વિદ્યાર્થીએ ધોળી ટોપી કાઢી નાખવી અથવા રંગાવી નાખવી. બધા છોકરાઓેએ પોતાની ટોપીઓ ભાતભાતના રંગોએ રંગી નાખેલી. પણ આ તો બબલભાઈ ! તેમણે ધોળી ટોપી રંગી નહીં કે કાઢી પણ નહીં. આવું જ ગામની ધર્મશાળા ખુલ્લી મૂકવા માટે પોલિટિકલ એજન્ટ આવવાના હતા, ત્યારે પણ તેમણે કાર્યક્રમમાં ગાવામાંથી મુક્તિ માગી પણ ટોપી તો ન જ ઉતારી. ગાંધીજીએ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઊતરી જવાની જેમ ના પાડી હતી તેવો જ જુસ્સો આ પ્રસંગોમાં બબલભાઈનો જોવા મળે છે. તે પણ માત્ર અગિયાર વર્ષની ઉંમરે !
તેમનાં બા અને મોટા ભાઈનાં બીજી વારનાં પત્ની એવાં ભાભી વચ્ચે કલહ ઉપરથી તેઓએ તારણ કાઢ્યુ કે “સુખ અને દુઃખ માણસનું મન પેદા કરે છે અને ક્ષુલ્લક ગેરસમજ કે પૂર્વગ્રહ માણસોને એકબીજાથી કેટલા દૂર ફેંકી દે છે અને જીવન કેટલું દૂઃખી બનાવી મૂકે છે ! તેથી લગ્ન કરવાં નહીં.”
મેટ્રિક પાસ કર્યા પછી મોટાભાઈએ નોકરી શોધી લેવાનું કહ્યું પણ પોતાનો ખર્ચ કુુટુંબ પર ન પડવા દેવાનું કહી કરાંચી કૉલેજમાં દાખલ થયા. પણ કૉલેજના જીવન અને વાતાવરણનો ગામડાંના ગરીબ લોકોના જીવન સાથે કોઈ મેળ તેમને ના દેખાયો. સંજોગવશાત તેમના હાથમાં
“કાલેલકરના લેખો” પુસ્તક આવ્યું અને તેમના જીવનામાંથી નવી રોશની પ્રગટી ગઈ. તેમને હવે લાગવા માંડ્યું કે ગામડાંનાં અજ્ઞાન, દુઃખી, પીડિત અને શોષિત લોકોની સેવામાં લાગી જવું જોઈએ. બા અને મોટાભાઈની મંજૂરી મળતાં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના સાનિધ્યમાં આવી ગયા. તે વખતે મનોમન નિર્ણય કર્યો કે ઘરની મિલકતમાંથી એક પાઈ પણ લેવી નહીં. કારણ કે એમના ઉપર ટોલ્સ્ટોયના વિચારોની ઊંડી છાપ હતી કે “હાથ પગ હલાવીશ તો રોટલો તો મળી રહેશે.”
વિદ્યાપીઠમાં દરરોજ આઠ કલાકનો શ્રમ કરીને રોજી મેળવવા માંડી. સાથે ગાંધીજી તથા કાકાસાહેબના સંપર્ક પણ વધતા ગયા. કાંતણ, પીંજણ, નીંદામણ, જાજરૂ સફાઈ, પુસ્તક વાંચન, ગ્રામ્ય જીવન પરિચય વગેરે ગમતી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. વિદ્યાપીઠમાં તેઓ ડીગ્રી મેળવવા કે વર્ગોમાં જોડાવા માટે આવ્યા જ ન હતા. તેથી ૧૯૩૦ની લડતમાં જોડાયા અને તેમની જેલયાત્રા શરૂ થઈ ગઈ. ગાંધીજીના ઘનિષ્ઠ સંપર્કથી તેમના રાષ્ટ્રીય વિચારો પરિપકવ થતા ગયા. કુટુંબીજનો અને બાના આગ્રહને ધ્યાનમાં ન લેતા આજીવન લગ્ન નહીં કરવાનો સંકલ્પ પણ લીધો. તેઓ માનતા હતા કે લગ્ન નહીં કર્યાથી જ દેશની સેવા સારી રીતે થઈ શકશે.
૧૯૩રમાં બે વર્ષ વિસાપુર જેલમાં હતા, તો ત્યાં ‘અનાસક્તિ યોગ’ અને ‘મંગલ પ્રભાત’ અનેક વખત વાંચી ગયા. વિચારોનું દૃઢીકરણ થવા લાગ્યું. આશ્રમવાસીઓને જ દાંડીકૂચમાં જોડવા તેવા ગાંધીજીના આગ્રહને કારણે દાંડીકૂચમાં નહી જોડાઈ શકવાનો તેમને અફસોસ હતો, પણ કાકા સાહેબે બાપુની ટૂકડી માટે પૂર્વ તૈયારી કરનારી અરુણ ટૂકડીમાં બબલભાઈને ગોઠવી દીધા. તેથી બાપુને મળવાની વિશેષ તકો પણ મળતી હતી અને લોકસંપર્ક પણ થતો હતો. દાંડી પહોંચ્યા પછી ગાંધીજીની મંજૂરીથી મીઠાના કાયદાનો ભંગ કરવાની ટૂકડીમાં સામેલ થયા અને એ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા. બબલભાઈ સત્યાગ્રહની લડતમાં ૩ માસ સુધી ચણા-મમરા અને ગોળના પાણીનો ઉપયોગ કરીને રહ્યા. ગાંધીજીની નેતાગીરીનું નિરીક્ષણ કરતા રહ્યા અને સાથે સાથે દેશ વ્યાપી લડતમાં પ્રજાના જુસ્સાની નાડ પણ પારખતા ગયા. જ્યારે બાપુએ હાકલ કરી કે સિંધની પ્રજાને હિંસક માર્ગે વળી જતી અટકાવવા સામી છાતીએ હસતાં હસતાં ગોળી ખાવા જવા કોણ તૈયાર છે ? ત્યારે બબલભાઈએ રાજીખુશીથી પોતાનું નામ સૌ પ્રથમ આપ્યું. અને ગાંધીજીએ મંજૂર પણ રાખ્યું. આ કેવી બલિદાન ભાવના ! આ નિર્ણયની જાણ કરતાં પત્રમાં કુટુંબીઓને લખે છે કે ‘હવે હું ભાગ્યે જ પાછો આવીશ. માતૃભૂમિની વેદી ઉપર ચડવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે, એવે વખતે ઘરનાં સૌ કોઈના આશીર્વાદ ચાહું છું.’ એ વખતે આઝાદીની લડત કેવી પરાકાષ્ઠાએ હતી, તેનું જીવંત ચિત્રણ બબલભાઈના અનુભવોમાં વંચાય છે.
માત્ર વીસ વર્ષની ઉંમરે મહેમદાવાદથી તેમની ધરપકડ થઈ હતી. ઉંમર નાની હતી પણ વિચારો ખૂબ પરિપકવ હતા. તેઓ નોંધે છે કે ‘જેલ માટે મેં બધી માનસિક તૈયારી રાખી હતી. એક જબરદસ્ત સરકારને ઉથલાવવા નીકળ્યા છીએ તો સરકાર કાંઈ કચાશ નહીં રાખે, એવંું મેં સમજી લીધેલું. તેઓ યરવડા જેલના અનુભવોમાં જણાવે છે કે ‘બધા કેદીઓના વાળ તો જેલમાં પેસતાં જ બળજબરીથી મૂંડી નાખ્યા હતા. શિયાળાની ઠંડી હતી.અમને પાથરવા માટે કાથાની સાદડી અને ઓઢવા માટે બકરાના વાળનો ખરબચડો કામળો આપવામાં આવ્યો હતો. અમને પૂર્યા હતા એ બરેક એવી હતી કે છાપરાની છતમાંથી રાત્રે અમારા ઉપર માકણનો ટપ ટપ વરસાદ વરસતો હતો.’ જેલમાં કાંતવા માટે તકલી-પૂણીની માંગણી પૂર્ણ કરવા માટે સાત દિવસ એકટાણાં કરી નાખ્યાં. બબલભાઈની ખુમારીનાં દર્શન વધુ એક પ્રસંગમાં જોવા મળે છે કે સરકારે તેમને બ્રિટિશ હદમાં પ્રવેશ કરવા બદલ જેલમાં પૂર્યા હતા. થોડા માસ પછી બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું કે રજા પત્રક રજૂ કરીને બ્રિટિશ હદમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે છે, પણ સ્વમાની બબલભાઈને પોતાના જ દેશમાં ફરવા માટે આ રીતે સરકારની મંજૂરી લઈને ફરવાનું મંજૂર ન હતું, તેથી તેમણે જેલવાસ જ ખુશીથી સ્વીકાર્યો.
એક સમયે સાબરમતીના તટ ઉપર શ્રી છગનલાલ જોષીનું ભાષણ હતું ત્યારે સત્યાગ્રહીઓ સાથે રહીને ત્રિરંગા ધ્વજનું રક્ષણ કરતાં કરતાં પોલીસની સોટીઓ સાથે સીસાના ગઠ્ઠાવાળી લાકડી માથામાં લાગી જતાં બેભાન થઈ ગયા હતા. બબલભાઈ જયાં જયાં જરૂર પડતી હતી ત્યાં પહોંચી જતા હતા અને પત્રિકાઓ મારફત પ્રજાનો જુસ્સો ટકાવવા પ્રયત્ન કરતા હતા. સોજિત્રામાં હરિજનનોની સેવા કરીને પોતાનાં કાર્યોમાં વધુ એક યશકલગી ઉમેરી. સેવા કરવા માટે ગામડું શોધવા નીકળ્યા હતા ત્યાં રસ્તામાં એક બારૈયાભાઈને બીમારીથી પીડાતો જોઈ ત્રણ દિવસ રોકાઈને તેની સેવા કરી પછી આગળ વધ્યા.
સંપન્ન ગામમાં નહીં પણ વિપન્ન ગામમાં જ સેવા કરવા બેસવું એવું નક્કી કરેલું તેથી માસરા ગામમાં પાણી માગતાં તળાવ દેખાડાયું એટલે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. શરૂઆતમાં જે ગામે રહેવા માટે ઢોર બાંધવાનું કોઢારું આપ્યું તે જ ગામે બબલભાઈની સેવાવૃત્તિ જોઈને સ્વતંત્ર મકાન તૈયાર કરી આપ્યું. માસરાના અનુભવે તેઓ શીખ્યા કે ‘માનવતા ગરીબમાં ગરીબ માણસમાં પણ પડી છે, પણ એને જગાડવી હોય તો તે માનવતાના સ્પર્શ વડે જ જગાડી શકાય.’ માસરામાં ટપાલ દર પંદર દિવસે મળતી હતી જયારે તેની નજીકના થામણા ગામમાં રોજ મળતી હતી. તેથી દર સોમવારે ટપાલ લેવા થામણા જવા લાગ્યા. ધીમેધીમે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્યની સાથે મળીને પ્રાર્થના સભા, વાર્તા વર્ગ, ગ્રામ સફાઈ, વ્યસન મુક્તિ વગેરે કામો કરવા લાગ્યા. થામણામાં અઠવાડિયે એક રાત રોકાઈને અભ્યાસગૃહ શરૂ કર્યું. ૧૯૩૭માં બાલા સાહેબ ખેરની પ્રાંતીય સ્વરાજની મુંબઈ સરકારે એક માત્ર થામણા ગામને નઈ તાલીમની પ્રયોગશાળા માટે પસંદ કર્યુ હતું. ધીમે ધીમે થામણાને ગ્રામસેવાનું કેન્દ્ર બનાવ્યુું. તેઓ થામણામાં ગામના નાના મોટા ઝઘડાઓનું સમાધાન કરતા હતા. બબલભાઈની મધ્યસ્થી અને માર્ગદર્શન દરેકને મંજૂર રહેતાં હતાં. તેમનું અન્ય એક પ્રિય કામ હતું ‘યુવક શિબિરો’. તેઓ બાળ કેળવણી માટેની બાલવાડી શિબિરો પણ હોંશે હોંશે યોજતા હતા.
૧૯૪રમાં ‘કરેંગે યા મરેંગે’ની ઝુંબેશમાં ભાગ લેવા બદલ તેમને છ માસની જેલ થઈ તો જેલમાં પણ મહાપુરુષોનાં વ્યાખ્યાનો, સંગીત, કાંતણ, નૃત્ય અને મનોરંજનના કાર્યક્રમો યોજતા હતા. ગુજરાત નઈ તાલીમ સંઘની પ્રવૃત્તિઓમાં પણ સક્રીય રીતે જોડાયા હતા. તેમની પોતાની કોઈ સંસ્થા સ્થાપી નહીં પણ ગુજરાતની બધી રાષ્ટ્રીય કેળવણીની અને રચનાત્મક સંસ્થાઓ સાથે એવી રીતે જોડાયેલા રહ્યા કે આ બધી સંસ્થાઓ તેમને પોતીકા ગણતી હતી. આઝાદી બાદ તુરંત ગુજરાતમાં સર્વોદય યોજના સાથે અમલી બનેલી સર્વોદય યોજના સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. બબલભાઈ ગુજરાતભરમાં પૂ.રવિશંકર મહારાજ સાથે પગપાળા ફર્યા અને હજારો એકર જમીન ભૂદાન યજ્ઞ સ્વરૂપે પ્રાપ્ત કરી અને જરૂરિયાતવાળા પરિવારોને વહેંચી. તેમનાં ૭૦ વર્ષ પૂરાં થયાં ત્યારે આ ઋષિ પુરુષે કરેલી જીવનભરની બચત મૂડીના રૂ.૪૯૫૦૦/- થામણા ગામનો ઋણસ્વીકાર કરી “થામણા ગ્રામ સેવા પ્રવૃત્તિ ટ્રસ્ટ”ને ભેટ આપી છૂટ્યા. સ્વાતંત્ર્ય સેનાની તરીકે પાંચ વાર જેલ વાસ થયો તેથી કલેકટરે પેન્શન ફોર્મ મોકલી આપ્યું હતું. તો તેમણે કલેકટરને નમ્રપણે જણાવ્યું કે “હું પેન્શન લેવા માટે જેલમાં નહોતો ગયો” કહી સરકારી પેન્શનનો અસ્વીકાર કર્યો.
તા.૨૯/૯/૧૯૮૧ના રોજ બબલભાઈનું અવસાન થયું. ગુજરાત અને રાષ્ટ્ર તેમની સેવાઓ અને પ્રવૃત્તિઓ માટે સદાય ઋણી રહેશે. ગુજરાતની નઈ તાલીમ સંસ્થાઓ, લોકશાળાઓ, સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સૌએ બબલભાઈની ‘જીવનયાત્રા’ જરૂર વાંચવી અને વંચાવવી જોઈએ. શ્રી નગીનદાસ પારેખ બબલભાઈ અંગે યથાર્થ જણાવે છે કે “જેમને જોઈને ગાંધીજીનું હૈયું પણ હરખાતું હતું એવા ગ્રામ સેવકની આ કથા છે અને એ વાંચતાં સમજાયા વગર રહેતું નથી કે ગાંધીજી કહેતા હતા તેમ દેશના ગામ દીઠ એકાદ સાચો સેવક મળી રહે, તો દેશની સિકલ પાંચ પંદર વરસમાં પલટાયા વગર રહે નહીં. “ગુજરાતના આ નોખી માટીના, દેશને સમર્પિત લોકસેવકને કોટિ કોટિ વંદન !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો