યાદી ભરી ત્યાં આપની - શાશ્વત યાદીનું અમર ગીત
(કવિ કલાપી અને શોભનાબાની યાદોની આધ્યાત્મિક નવલિકા)
- વસંત તેરૈયા ‘શૂન્ય’
----
લાઠીના દરબારગઢના બગીચામાં વસંતની શાંત સાંજ ઊતરી હતી. પવનમાં ફૂલોની મંદ સુગંધ ભળી ગઈ હતી. એક જૂની બેન્ચ પર શોભનાબા એકલાં બેઠાં હતાં. કલાપીના અકાળ અવસાન પછી આ બગીચો તેમના માટે માત્ર બગીચો રહ્યો ન હતો; તે તો સ્મૃતિઓનું મંદિર બની ગયો હતો.
તેમના હાથમાં પીળાશ પડેલો એક કાગળ હતો. તેના પર કલાપીના હસ્તાક્ષરો હજુ પણ જીવંત લાગતા હતા. ધીમે ધીમે તેમની આંખો બંધ થઈ... અને સ્મૃતિઓના દ્વાર ખુલ્યા.
તે પૂર્ણિમાની રાત હતી. ચાંદનીમાં કલાપી તળાવના જળ પર ચાંદીનું આછું આચ્છાદન પથરાયું હતું. નાની નૌકા શાંતપણે તરતી હતી. કલાપી અને શોભનાબા મૌનમાં એકબીજાની સાથે હતાં.
અચાનક કિનારેથી એક દૂત દોડતો આવ્યો.
“રાજસાહેબ... તાર આવ્યો છે...”
કલાપીએ નૌકા કિનારે લગાવી. કંપતા હાથે તાર ખોલ્યો. સમાચાર વાંચતાં જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેમના પ્રિય સાહિત્યગુરુ શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી હવે આ દુનિયામાં રહ્યા નહોતા.
થોડી ક્ષણ તેઓ મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા,
“શોભના... આજે મને લાગે છે કે જીવનનો એક દીપ બુઝાઈ ગયો. પરંતુ આવા મહાપુરુષો કદી મરતા નથી; તેઓ પોતાની વાણીમાં જીવતા રહે છે.”
શોભનાબાએ તેમની પાસે બેસીને શાંતિથી કહ્યું,
“વ્હાલા, આ દુઃખને શબ્દ આપો. તમારી કલમ જ તમારી પ્રાર્થના છે.”
કલાપીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. તેમણે રડતા રડતા હમિંગ કરવાનું શરૂ કર્યું. તેમના હૃદયમાંથી એક અમર ગઝલની પંક્તિઓ નીકળવા લાગી.
શોભનાબાએ તેમના હાથ પકડ્યા અને વિનંતી કરી,
“વ્હાલા... તમારા શબ્દોને પ્રગટવા દો. તમારા શબ્દો સમાજને અજવાળું આપશે. તમારા ગુરુની યાદમાં આ યાદીને અમર બનાવો.”
કલાપીએ કાગળ હૃદય સાથે લગાડ્યો. તેમની આંખોમાંથી આંસુની બે બુંદ કાગળ પર ટપકી. થોડું મૌન છવાયું. પછી તેમણે ધીમા, ગંભીર અને ભાવવાહી સ્વરે ગઝલનું પઠન શરૂ કર્યું. દરેક શેર પછી તેઓ થોભતા; જાણે શબ્દો બહાર નહીં, અંતરમાં ઉતરી રહ્યા હોય.
પ્રથમ શેર
“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!”
કલાપીએ આંખો મીંચી.
“શોભના... આ ‘આપની’ એક વ્યક્તિ નથી. અહીં મારા ગુરુનો પ્રકાશ છે, તારો પ્રેમ છે અને પરમાત્માની કરુણા પણ છે. જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં મને એ જ એક ચૈતન્ય દેખાય છે. આંસુ દુઃખના નથી; આ તો આત્માને પવિત્ર કરતું પ્રેમનું ગંગાજળ છે. જ્યારે હૃદય સાચા પ્રેમથી ભરાઈ જાય છે ત્યારે સમગ્ર સૃષ્ટિ એક જ યાદી બની જાય છે.”
શોભનાબાએ ધીમેથી ઉત્તર આપ્યો,
“વ્હાલા, જો પ્રેમ માણસને આખી સૃષ્ટિમાં એક જ ચૈતન્ય દેખાડે, તો એ પ્રેમ જ ભક્તિ છે. તમારી આંખોમાં હું માત્ર પોતાને નહીં, પરંતુ ઈશ્વરના અંશને પણ નિહાળું છું.”
બીજો શેર
“માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!”
કલાપી સ્મિત કરીને બોલ્યા,
“આ લાલી શરીરની નથી. આ તો સૃષ્ટિના સર્જનહારની કૂંચીનો રંગ છે. દરેક ફૂલમાં, દરેક વસંતમાં, દરેક સુંદરતામાં એ જ એક દિવ્ય નિશાની છે. તું મને એટલા માટે પ્રિય નથી કે તું સુંદર છે; તું એટલા માટે પ્રિય છે કે તારામાંથી પરમ સૌંદર્યનો અનુભવ થાય છે.”
શોભનાબાએ નમન કરતાં કહ્યું,
“તો આપણો પ્રેમ એકબીજાને મેળવવાનો નથી, પરંતુ પરમ સૌંદર્ય સુધી પહોંચવાનો માર્ગ છે.”
ત્રીજો શેર
“જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!”
કલાપીએ તળાવ તરફ નજર કરી.
“દરેક લહેર જન્મ અને મૃત્યુ જેવી આવે છે અને વિલીન થઈ જાય છે. પરંતુ જે ચૈતન્ય તેના પર સવાર છે તે કદી ડૂબતું નથી. શોભના, પ્રેમ પણ એવો જ છે. દેહ બદલાય છે, સમય બદલાય છે, પરંતુ પ્રેમની સવારી અનંત સુધી ચાલતી રહે છે.”
શોભનાબા બોલ્યાં,
“તો આપણે નૌકામાં નથી, વ્હાલા... આપણે તો પ્રેમના અનંત સમુદ્રમાં યાત્રિક છીએ.”
ચોથો શેર
“તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!”
કલાપીએ આકાશ તરફ આંગળી ચીંધી.
“આકાશના તારાઓ જાણે આત્માઓના દીપક છે. તેમની વચ્ચે કોઈ ભેદ નથી. ત્યાં ન રાજા છે, ન રાણી; માત્ર પરમપ્રકાશ છે. ગેબી કચેરી એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનું નિઃશબ્દ મિલન.”
શોભનાબાએ ધીમેથી કહ્યું,
“તમારી કવિતામાં હું આકાશને નહીં, પરંતુ અનંતને સ્પર્શું છું.”
પાંચમો અને છઠ્ઠો શેર
“આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!”
મનમાં રમાબાને યાદ કરતાં કલાપીએ ગંભીર સ્વરે કહ્યું,
“જીવનમાં ખંજરો માણસ નથી વરસાવતા; અહંકાર, ઈર્ષ્યા, વિયોગ અને સમય વરસાવે છે. પરંતુ જે હૃદયમાં પ્રેમ વસે છે, ત્યાં દરેક ઘા પ્રાર્થના બની જાય છે. વેદના સિતાર બનીને વાગે છે. પ્રેમની યાદી ઢાલ બની જાય છે.”
શોભનાબાએ તેમની આંખોમાં જોઈને કહ્યું,
“જ્યાં પ્રેમ જાગે છે ત્યાં શત્રુ રહેતો નથી. ત્યાં તો દરેક પરીક્ષા આત્માને વધુ નિર્મળ બનાવે છે.”
સાતમો શેર
“દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!”
શોભના બા સામે કલાપીએ બંને હાથ જોડ્યા.
“પ્રેમ જ ગંગા છે. જે હૃદય પ્રેમથી ભરાય છે ત્યાં પાપ ટકી શકતું નથી. ભક્તિ અને પ્રેમ અલગ નથી. પ્રેમનું પરિપક્વ સ્વરૂપ જ ભક્તિ છે અને ભક્તિનું પરિપક્વ સ્વરૂપ જ મોક્ષ છે.”
શોભનાબા બોલ્યાં,
“વ્હાલા, જો પ્રેમથી આત્મા પવિત્ર થાય, તો પ્રેમ જ સૌથી મોટું તીર્થ છે.”
અંતિમ શેર
“ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!”
કલાપીએ કાગળ હૃદય સાથે લગાડ્યો.
“એક દિવસ આ કાવ્ય, ગઝલો અને પુસ્તકો રહી જશે, મહેલો અને રાજપાટ પણ રહી જશે. પરંતુ જે પ્રેમ આત્મામાં લખાય છે તે ક્યારેય ભૂંસાતો નથી. અંતે માત્ર એક જ યાદી રહે છે—પરમ પ્રેમની. એ જ ઈશ્વર છે, એ જ ગુરુ છે, એ જ સખી છે, એ જ સત્ય છે.”

શોભનાબાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.
“વ્હાલા... જો આ યાદી શાશ્વત છે, તો આપણો વિયોગ પણ માત્ર દેહનો છે. આત્મા તો સદાય એક જ રહેશે.”
કલાપીએ શાંત સ્મિત સાથે ઉત્તર આપ્યો,
“હા શોભના... સાચો પ્રેમ ક્યારેય મળવામાં પૂર્ણ થતો નથી; તે તો અનંતમાં વિલીન થઈને શાશ્વત બની જાય છે.”
---
સ્મૃતિ તૂટી. શોભનાબાની આંખો ફરી દરબારગઢના બગીચામાં ખુલી. કાગળ હજુ પણ તેમના હાથમાં હતો. એ જ સમયે પવનનો એક શાંત ઝોકો આવ્યો. કાગળ તેમના હાથમાંથી છૂટીને ધીમે ધીમે આકાશ તરફ ઊડી ગયો. તેમણે પકડવાનો પ્રયાસ કર્યો, પણ કાગળ તેમની પહોંચની બહાર હતો.
જાણે સ્મૃતિ હવે માત્ર કાગળમાં નહીં, સમગ્ર આકાશમાં લખાઈ ગઈ હતી. તે જ ક્ષણે તેમને લાગ્યું કે આસપાસ એક દિવ્ય ઉપસ્થિતિ પ્રસરી ગઈ છે. તેમણે આંખો બંધ કરી. અંતરના આકાશમાં કલાપીનો કરુણાભર્યો સ્વર ગુંજી ઊઠ્યો—
> “સખી! ત્હારે માટે જીવીશ ફરી હું આ જગતમાં,
> શીખ્યો આ ફેરે તો સહવું વિધિની આ રમતમાં;
> અહો! એ ઇચ્છાથી તુજ સહ ફરી જન્મીશ નકી,
> તને ત્યારે, વ્હાલી! હૃદયરસ હું અર્પીશ નકી.”
શોભનાબાના ગાલ પર આંસુ વહેતાં રહ્યાં, પરંતુ આ વખતે તેમાં માત્ર વિયોગ ન હતો. તેમાં શાંતિ પણ હતી. તેમને સમજાયું કે દેહનો વિયોગ અંત નથી. સાચો પ્રેમ સ્મૃતિમાં જીવતો રહે છે. સાચો ગુરુ જ્ઞાનમાં જીવતો રહે છે. અને સાચો કવિ પોતાની કવિતામાં અમર બની જાય છે.
તે સાંજે બગીચામાં કોઈ દેખાતું નહોતું. પણ પવનમાં કલાપીના શબ્દો ગુંજી રહ્યા હતા. યાદીઓ ક્યારેય વિલુપ્ત થતી નથી; તે માત્ર હૃદયમાંથી આકાશ સુધીની યાત્રા કરે છે. પ્રેમ દેહથી વિખૂટો પડી શકે, સમયથી નહીં. કલાપી આજે પણ પોતાના શબ્દોમાં શ્વાસ લે છે, પોતાની કવિતાઓમાં ધબકે છે અને દરેક સંવેદનશીલ હૃદયમાં શાશ્વત ગીત બનીને ગુંજે છે.
યાદીનો અંત નથી — તે માત્ર અનંતમાં વિલીન થાય છે.
---
-વસંત તેરૈયા 'શૂન્ય'
Source Rajesh Patel
©kavi kalapi
#kavikalapi


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો